gu_ta/translate/figs-rquestion/01.md

19 KiB

આલંકારિક પ્રશ્ન એ એક પ્રશ્ન છે જેને વક્તા જ્યારે પૂછે છે ત્યારે તે તેના વિશે માહિતી મેળવવા કરતાં જે તે વસ્તુ વિશે પોતાનું વલણ વ્યક્ત કરવામાં વધુ રસ હોય છે. વક્તાઓ ઊંડી લાગણી વ્યક્ત કરવા અથવા સાંભળનારાઓને કંઈક વિશે ઊંડાણપૂર્વક વિચારવા પ્રોત્સાહિત કરવા આલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. બાઇબલમાં ઘણા આલંકારિક પ્રશ્નો છે, ઘણીવાર આશ્ચર્ય વ્યક્ત કરવા, સાંભળનારને ઠપકો આપવા અથવા ઠપકો આપવા અથવા શીખવવા માટે. કેટલીક ભાષાઓના બોલનારા અન્ય હેતુઓ માટે પણ આલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે.

સમજૂતી

આલંકારિક પ્રશ્ન એ એક એવો પ્રશ્ન છે જે કોઈ બાબત પ્રત્યેના વક્તાના વલણને ભારપૂર્વક વ્યક્ત કરે છે. મોટેભાગે વક્તા કોઈપણ માહિતી શોધી રહ્યા હોતા નથી. અથવા, જો તે કોઈ માહિતી માટે પ્રશ્ન પૂછતો હોય, તો તે સામાન્ય રીતે જે માટે પ્રશ્ન પૂછવામાં આવે છે તે માહિતી હોતી નથી. વક્તાને માહિતી મેળવવા કરતાં પોતાનું વલણ વ્યક્ત કરવામાં વધુ રસ હોય છે.

પરંતુ જેઓ પાસે ઉભા હતા તેઓએ કહ્યું, “શું તું ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન કરે છે?”(પ્રેરિતોનાં કૃત્યો 23:4 ULT)

જે લોકોએ પાઉલને આ પ્રશ્ન પૂછ્યો તેઓ પૂછતા ન હતા કે શું તે ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન કરી રહ્યો હતો કે કેમ. ઊલટાનું, તેઓએ આ પ્રશ્નનો ઉપયોગ પાઉલ પર પ્રમુખ યાજકનું અપમાન કરવાનો આરોપ લગાવવા કર્યો.

બાઇબલમાં ઘણા આલંકારિક પ્રશ્નો છે. આ આલંકારિક પ્રશ્નોનો ઉપયોગ હેતુઓ માટે કરવામાં આવ્યો છે: વલણ અથવા લાગણીઓ વ્યક્ત કરવા, લોકોને ઠપકો આપવા, લોકો જે જાણે છે તે યાદ કરાવીને કંઈક શીખવવા અને તેમને કંઈક નવું લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરવા, અથવા તેઓ જેના વિશે વાત કરવા માગે છે તેની રજૂઆત કરવા માટે.

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

  • કેટલીક ભાષાઓ આલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરતી નથી; તેમના માટે પ્રશ્ન હંમેશા માહિતી માટે વિનંતી છે.
  • કેટલીક ભાષાઓ આલંકારિક પ્રશ્નોનો ઉપયોગ બાઇબલ કરતાં અલગ અથવા ખુબ જ મર્યાદિત હેતુઓ માટે કરે છે.
  • ભાષાઓ વચ્ચેના આ તફાવતોને લીધે, કેટલાક વાચકો બાઇબલમાં આલંકારિક પ્રશ્નના હેતુ વિશે ગેરસમજ કરી શકે છે.

બાઇબલમાંથી ઉદાહરણો

શું તું હજુ પણ ઇઝરાયેલના રાજ્ય પર શાસન ચલાવતો નથી? (1 રાજાઓ 21:7b ULT)

ઇઝેબેલે ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ આહાબ રાજા ને યાદ અપાવવા માટે કર્યો હતો કે જે તે પહેલેથી જ જાણતો હતો: તે હજી પણ ઇઝરાયેલના રાજ્ય પર શાસન કરતો હતો. જો તેણીએ તે સામાન્ય રીતે કહ્યું હોત એના કરતાં આલંકારિક પ્રશ્ને તેણીના મુદ્દાને વધુ મજબૂત બનાવ્યો. કારણ કે આ પ્રશ્નએ આહાબને પોતાને મુદ્દો સ્વીકારવાની ફરજ પાડી. તેણીએ ગરીબ માણસની મિલકત લેવા માટે તૈયાર ન હોવા બદલ તેને ઠપકો આપવા માટે આ કર્યું. તેણી સૂચવે છે કે, કારણ કે તે ઇઝરાયેલનો રાજા હતો, તેની પાસે તે માણસની મિલકત લેવાની સત્તા હતી.

શું કુંવારી તેના ઘરેણાં, કન્યા તેના ઘૂમટાને ભૂલી જશે? છતાં મારા લોકો મને અસંખ્ય દિવસો સુધી ભૂલી ગયા છે! (યર્મિયા 2:32 ULT)

ઈશ્વરે ઉપરના પ્રશ્નનો ઉપયોગ તેમના લોકોને તેઓ પહેલેથી જ જાણતા હતા તે બાબતની યાદ અપાવવા માટે કર્યો: એક યુવતી ક્યારેય તેના ઘરેણાં ભૂલી શકતી નથી અથવા કન્યા તેના ઘૂમટાને ભૂલી શકતી નથી. તે પછી તેણે તેના લોકોને ઠપકો આપ્યો કે જે આ વસ્તુઓ કરતાં ઘણા મહાન છે તેમને તેઓ ભૂલી ગયા છે.

હું ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યો ત્યારે જ હું કેમ મરી ન ગયો? (અયુબ 3:11a ULT)

અયુબ ઉપરના પ્રશ્નનો ઉપયોગ ઊંડી લાગણી બતાવવા માટે કરે છે. આ આલંકારિક પ્રશ્ન દર્શાવે છે કે તે કેટલો દુઃખી હતો કે તે જન્મતાની સાથે જ શા માટે મૃત્યુ પામ્યો ન હતો. તે ઈચ્છતો હતો કે તે જીવ્યો ન હોત.

અને આ મારી સાથે કેવી રીતે બને કે મારા પ્રભુની માતા મારી પાસે આવી છે? (લુક 1:43 ULT)

એલિઝાબેથે ઉપરના પ્રશ્ન મારફતે દર્શાવ્યું કે તેના પ્રભુની માતા તેની પાસે આવી હતી તેથી તેની ખુબ જ આશ્ચર્યચકિત અને ખુશ હતી.

અથવા તમારામાં એવો કયો માણસ છે કે જેની પાસેથી તેનો દીકરો રોટલી માંગે, પણ તે તેને પથ્થર આપશે? (માથ્થી 7:9 ULT)

ઈસુએ ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ લોકોને યાદ અપાવવા માટે કર્યો હતો કે તેઓ પહેલાથી જ જાણતા હતા: એક સારા પિતા તેમના પુત્રને ક્યારેય ખરાબ ખાવા માટે કંઈ આપતા નથી. આ બાબતની રજૂઆત કરીને, ઈસુ તે પછીના આલંકારિક પ્રશ્ન સાથે તેમને ઈશ્વર વિશે શીખવી શકતા હતા:

તેથી, જો તમે જેઓ દુષ્ટ છો તેઓ તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી તે જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતા જેઓ તેમની પાસે માંગે છે તેઓને કેટલી સારી વસ્તુઓ આપશે? (માથ્થી 7:11 ULT)

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને ભારપૂર્વક શીખવવા માટે કર્યો કે જેઓ તેમની પાસે માંગે છે તેમને ઈશ્વર સારી વસ્તુઓ આપે છે.

ઈશ્વરનું રાજ્ય કેવું છે, અને હું તેને કોની સાથે સરખાવી શકું? તે રાઇના બી જેવું છે જે એક માણસે લીધું અને તેની વાડીમાં નાખ્યું... (લુક 13:18b-19a ULT)

ઈસુએ ઉપરોક્ત પ્રશ્ન દ્વારા તે શું વાત કરવા જઈ રહ્યો હતો તેની પ્રસ્તાવના રજૂ કરી. તે ઈશ્વરના રાજ્યની સરખામણી કંઈક સાથે કરવા જઈ રહ્યો હતો. આ કિસ્સામાં, તેણે ઈશ્વરના રાજ્યની સરખામણી રાઇના બી સાથે કરી.

અનુવાદ માટેની વ્યૂહરચના

આલંકારિક પ્રશ્નનો ચોક્સાઇપૂર્વક અનુવાદ કરવા માટે, સૌ પ્રથમ ખાતરી કરો કે તમે જે પ્રશ્નનો ખરેખર અનુવાદ કરી રહ્યાં છો તે એક આલંકારિક પ્રશ્ન છે અને તે માહિતી પ્રાપ્ત કરવા માટેનો પ્રશ્ન નથી. તમારી જાતને પૂછો, "શું પ્રશ્ન પૂછનાર વ્યક્તિને પ્રશ્નનો જવાબ પહેલેથી જ ખબર છે?" જો એમ હોય તો, તે આલંકારિક પ્રશ્ન છે. અથવા, જો કોઈ પ્રશ્નનો જવાબ આપતું નથી, તો શું પૂછનાર વ્યક્તિ જવાબ મેળવવાની અપેક્ષા રાખે છે? જો નહીં, તો તે આલંકારિક પ્રશ્ન છે.

જ્યારે તમને સંપૂર્ણ ખાત્રી હોય કે પ્રશ્ન આલંકારિક છે, એ બાબત પણ ચકાસો કે તમે આલંકારિક પ્રશ્નનો હેતુ સમજો છો. શું તે સાંભળનારને પ્રોત્સાહિત કરવા કે ઠપકો આપવા કે શરમાવવા માટે છે? શું તે નવો વિષય રજૂ કરવા માટે છે? અથવા બીજો કોઈ હેતુ છે ?

જ્યારે તમે આલંકારિક પ્રશ્નનો હેતુ જાણો છો, ત્યારે તે હેતુને લક્ષ્ય ભાષામાં વ્યક્ત કરવાની સૌથી સ્વાભાવિક રીત વિશે વિચારો. તે એક પ્રશ્ન, અથવા નિવેદન, અથવા ઉદ્ગાર રૂપે હોઈ શકે છે.

જો આલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરવો તમારી ભાષામાં સ્વાભાવિક હોય અને યોગ્ય અર્થ રજૂ કરતો હોય, તો તેનો ઉપયોગ કરવાનું વિચારી શકો . જો નહિં, તો અહીં અન્ય વિકલ્પો છે:

(1) પ્રશ્ન બાદ જવાબ ઉમેરો. (2) આલંકારિક પ્રશ્નને વિધાન અથવા ઉદ્ગારમાં રૂપાંતર કરો. (3) આલંકારિક પ્રશ્નને વિધાનમાં બદલો, અને પછી તેને ટૂંકા પ્રશ્ન સાથે અનુસરો. (4) પ્રશ્નનું સ્વરૂપ બદલો જેથી જે સંદેશને મૂળ વક્તાએ પોતાની ભાષામાં સંચાર કર્યો હતો તેને તમારી ભાષામાં સંચાર કરી શકે.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) પ્રશ્ન બાદ જવાબ ઉમેરો.

શું કુંવારી તેના ઘરેણાં, કન્યા તેના ઘૂમટાને ભૂલી જશે? છતાં મારા લોકો મને અસંખ્ય દિવસો સુધી ભૂલી ગયા છે! (યર્મિયા 2:32 ULT)

શું કુંવારી તેના ઘરેણાં ભૂલી જશે, કન્યા તેના ઘૂમટાને ભૂલી જશે? અલબત્ત નહીં! છતાં મારા લોકો મને અસંખ્ય દિવસો સુધી ભૂલી ગયા છે!

અથવા તમારામાં એવો કયો માણસ છે કે જેની પાસેથી તેનો દીકરો રોટલી માંગે, પણ તે તેને પથ્થર આપશે? (માથ્થી 7:9 ULT)

અથવા તમારામાં એવો કયો માણસ છે કે જેની પાસેથી તેનો દીકરો રોટલી માંગે, પણ તે તેને પથ્થર આપે? તમારામાંનુ કોઈ એવું નહિ કરે!

(2) આલંકારિક પ્રશ્નને વિધાન અથવા ઉદ્ગારમાં રૂપાંતર કરો.

ઈશ્વરનું રાજ્ય કેવું છે, અને હું તેને કોની સાથે સરખાવી શકું? તે રાઇના બી જેવું છે. (લુક 13:18-19a ULT)

ઈશ્વરનું રાજ્ય કંઈક આવું છે. તે રાઇના બી જેવું છે...

શું તું ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન કરે છે? (પ્રેરિતોનાં કૃત્યો 23:4b ULT) (પ્રેરિતોનાં કૃત્યો 23:4 ULT)

તમારે ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન ન કરવું જોઈએ!

હું ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યો ત્યારે જ હું કેમ મરી ન ગયો? (અયુબ 3:11a ULT)

જ્યારે હું ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યો ત્યારે હું મરી ગયો હોત તો કેવું સારું!

અને આ મારી સાથે કેવી રીતે બને કે મારા પ્રભુની માતા મારી પાસે આવી છે? (લુક 1:43 ULT)

આ કેવું અદ્ભુત કે મારા પ્રભુની માતા મારી પાસે આવી છે!

(3) આલંકારિક પ્રશ્નને વિધાનમાં બદલો, અને પછી તેને ટૂંકા પ્રશ્ન સાથે અનુસરો.

શું તું હજુ પણ ઇઝરાયેલના રાજ્ય પર શાસન ચલાવતો નથી? (1 રાજાઓ 21:7b ULT)

તું હજી પણ ઇઝરાયેલના રાજ્ય પર શાસન ચલાવે છે, શું તું ચલાવતો નથી?

(4) પ્રશ્નનું સ્વરૂપ બદલો જેથી જે સંદેશને મૂળ વક્તાએ પોતાની ભાષામાં સંચાર કર્યો હતો તેને તમારી ભાષામાં સંચાર કરી શકે.

અથવા તમારામાં એવો કયો માણસ છે કે જેની પાસેથી તેનો દીકરો રોટલી માંગે, પણ તે તેને પથ્થર આપશે? (માથ્થી 7:9 ULT)

જો તમારો દીકરો તમારી પાસે રોટલી માંગે, તો શું તમે તેને પથ્થર આપશો?

શું કુંવારી તેના ઘરેણાં, કન્યા તેના ઘૂમટાને ભૂલી જશે? છતાં મારા લોકો મને અસંખ્ય દિવસો સુધી ભૂલી ગયા છે! (યર્મિયા 2:32 ULT)

શું કોઈ કુંવારી તેના ઘરેણાં ભૂલી જાય, અને શું કોઈ કન્યા તેના ઘૂમટાને ભૂલી જાય? છતાં મારા લોકો મને અસંખ્ય દિવસો સુધી ભૂલી ગયા છે!